About BhashaIndia | Contribute | SiteMap | Register | Sign in to Windows Live ID
  Patrons Developers
Hindi Tamil Kannada Gujarati Marathi Telugu Bengali Malayalam Punjabi Konkani Oriya Sanskrit Nepali
Home > Patrons > SuccessStories > Mr. Sudhir Dar Welcome Guest!

મુલાકાત: શ્રી. સુધીર દર સાથે
સુધીર દર: અસાધારણ કાર્ટુનીસ્ટ
શ્રી. સુધીર દર સાથે શ્રી સુધીર દર ભારતના જાણીતા કાર્ટુનીસ્ટોમાંના એક છે. ચાળીસ વર્ષની અવિસ્મરણીય કારકિર્દી સાથે, શ્રી દર હવે માઈક્રોસોફ્ટના ભાષાઈન્ડીયા પોર્ટલ માટે કામ કરે છે. તેમની સાથેના નિખાલસ વાર્તાલાપમાં શ્રી દરે, જિંદગી વિશે, રમૂજ, કળા અને તેમની પ્રેરણા વિશે, તેમ જ તેમની નજરમાં કાર્ટુનનાં ભાવિ વિશે ઘણી બધી વાતો કરી.
તમે કાર્ટુનની દુનિયામાં પગ માંડ્યા, તે વિશે કહો. શું તમે ખૂબ સભાનતાથી તે વિષય પસંદ કર્યો હતો?
સુ.દ: મને નાનપણથી જ વિનોદવૃત્તિ બહુ આકર્ષિત કરે છે. ખાસ કરીને, બ્રીટીશ અને અમેરિકન વિનોદ. હું યુધ્ધના સમયમાં મોટો થયો છું. એ સમય હતો, અંગ્રેજ શાસનનો. ઘણી બધી અંગ્રેજ અને અમેરિકન સ્ટીમરો ભારતમાં લંગરેલી. તે વખતે, સૈનિકોના મનોરંજન માટે, ઘણાં બધાં સંગીતના કાર્યક્રમો, હાસ્યના કાર્યક્રમો અને નાટકો યોજાતાં હતાં કે જેથી તેમને ઘરની યાદ ન આવે. ત્યારે હું કિશોર વયનો હતો. મારે માટે આ બધું અંગ્રેજ અને અમેરિકન વિનોદના સુવર્ણ ખજાના સમાન હતું. અમે 'પંચ' અને 'સેટરડે ઈવનીંગ પોસ્ટ' આ બે સામાયિકો વાંચતા. મારા પિતાને 'પંચ' વાંચવાનો શોખ હતો અને અમને સારામાં સારી જાણકારી મળે તેવું તે ઈચ્છતા. અને, 'સેટરડે ઈવનીંગ પોસ્ટ' એ અમેરિકાથી પ્રકાશિત થતું એક કૌટુંબિક સાપ્તાહિક હતું. બંનેમાં સુંદર વાર્તાઓ, થોડો વિનોદ અને કાર્ટુન, વિગેરે આવતું. અને આ રીતે શરૂઆત થઈ, ફ્ક્ત રેડિયો અને મેગેઝીનો દ્વારા. એ દિવસોમાં હું હિન્દુસ્તાન ટાઈમ્સના રાજકીય કાર્ટુનીસ્ટ શ્રી શંકરથી ખૂબ પ્રભાવિત હતો. મને તેમનું કામ મુગ્ધ કરી દેતું હતું. આ બધા કારણો મને કાર્ટુનીંગ તરફ ખેંચી ગયાં.
વાસ્તવમાં તમારું આખું જીવન આમાં વીત્યું. એવું કેવી રીતે બન્યું?
સુ.દ: ૧૯૫૦ ના દાયકામાં, હું ઑલ ઈન્ડીયા રેડિયોમાં એનાઉન્સર તરીકે કામ કરતો હતો. ત્યાં વાર્તાલાપ માટે આવેલા 'ધ સ્ટેટ્સમેન' ના સમાચાર તંત્રીશ્રી સાથે મારી મુલાકાત થઈ. તેમની સાથે વાત કરતાં કરતાં જ મેં તેમનું રેખાચિત્ર (સ્કેચ) દોર્યું. એ જોઈને તે બોલ્યા, 'તમે તો મને બહુ દેખાવડો દોર્યો.' તેમણે મને પૂછ્યું કે શું હું કાર્ટુન દોરું છું અને મેં હા પાડી. તે પછી તેમણે મારા કામના થોડા નમૂનાઓ મંગાવ્યા. કેટલાક અઠવાડિયા પછી, હું પાંચ કાર્ટુન લઈને 'ધ સ્ટેટ્સમેન'ની ઓફિસમાં ગયો. તેમણે મને કહ્યું, 'તમે આ અહીં જ મૂકી જાઓ. અમે તે પછીથી જોઈશું.' બીજે દિવસે સવારે જ્યારે મેં છાપું ખોલ્યું, ત્યારે મારા પાંચે પાંચ કાર્ટુન્સ 'ધ સ્ટેટ્સમેન'ના ત્રીજા પાને છપાયા હતા. હું રાજીનો રેડ થઈ ગયો. અને મેં ૧૯૬૧ થી ૧૯૬૭ સુધી, 'ધ સ્ટેટ્સમેન' માટે કામ કર્યું. શબ્દોનો ઉપયોગ કર્યા વગર મેં કાર્ટુન્સની એક શ્રેણી તૈયાર કરી, જેનું નામ હતું, 'આઉટ ઑફ માય માઈન્ડ'. તે રોજ સવારે છપાતા હતા. આ કામ મારે માટે પડકારરૂપ હતું. કારણ કે, મારા તંત્રી કહેતા કે શબ્દો વાપરીને તો કોઈ પણ વિનોદ પેદા કરી શકે. એક કાર્ટુનીસ્ટની ખરી કસોટી એ છે કે તે શબ્દો વાપર્યા વગર વિનોદ પેદા કરી શકે. મારા તંત્રીનું નાક થોડું લાંબુ હતું અને મારા કાર્ટુન પાત્રોનાં નાક પણ હું લાંબા દોરતો હોવાથી, તેઓ માનતા કે હું તેમને અનુલક્ષીને મારા પાત્રો દોરું છું. તેમણે મારી સામે પડકાર ફેંક્યો હતો કે જો હું રોજનું આવું શબ્દ વગરનું એક કાર્ટુન તૈયાર કરીશ, તો જ તેઓ મને કામ આપશે. યોગાનુયોગ, 'આઉટ ઑફ માય માઈન્ડ' સાત વર્ષ સુધી નિરંતર ચાલ્યું! પ્રથમ વર્ષ બાદ, આ શ્રેણી કલકત્તાની આવૃત્તિમાં પણ છાપવામાં આવી, તેનો બહુ સારો પ્રતિસાદ મળ્યો. દિલ્હીની આવૃત્તિ, જ્યાંથી મેં શરૂઆત કરેલી, ત્યાં પણ ઘણો આવકાર મળ્યો. મારી શ્રેણી દોઢ જ વર્ષમાં પહેલા પાને છપાવા માંડી. આનો અર્થ એ હતો કે રોજનું એક કાર્ટુન - કેવો ભયાનક વિચાર! પણ મેં એ સ્વીકારી લીધું. મને યાદ છે, જે દિવસે મારું કાર્ટુન પહેલે પાને છપાયું, તે દિવસે હું સવારે મારી ઓફિસમાં જતો હતો, ત્યારે મારા તંત્રીએ મને કાગળ બતાવીને ઈશારો કરીને બોલાવ્યો. તેમાં લખ્યું હતું, 'માનનીય મહોદય, આઉટ ઑફ માઈન્ડ કોણ છે -કોનું મગજ કામ નથી કરતું? તમારું કે સુધીર દરનું?' હું સ્તબ્ધ થઈ ગયો. મારી દશા તો કાપો તો ય લોહી ન નીકળે તેવી થઈ હતી. આ વાતમાં મારા તંત્રીને જાણે મજા પડતી હતી. પણ પછી તેમણે મને એક ગહન વાત કહી, "ભાઈ, તમે 'ધ સ્ટેટ્સમેન'નાં પ્રથમ પાને છો. એવી અપેક્ષા ન રાખતાં કે બધાં તમને વખાણે." આ મારી સાચી કસોટી હતી. અગ્નિપરીક્ષા. હું તે શ્રેણીનું કામ કરતો જ રહ્યો અને રોજ મારા પર પત્રોનો વરસાદ વરસતો જ રહ્યો. તે બધાં જ પત્રો તંત્રીના લેખમાં પણ છપાતા. મારા કાર્ટુન છપાયાં, એના બીજા જ દિવસે તંત્રીએ મથાળું મૂક્યું, 'આઉટ ઑફ અવર માઈન્ડ્સ?' એક દિવસ તો એટલા બધાં પત્રો આવ્યાં કે આખું પાનું પત્રોથી જ ભરાઈ ગયું. કેટલાંક મને વખોડતાં, તો કેટલાંક પ્રોત્સાહન આપતાં. લાગલગાટ ત્રણ મહિના સુધી આ બધું ચાલુ રહ્યું. એક દિવસે તો એટલાં બધાં પત્રો આવ્યાં કે ત્રીજા પાના પરના તંત્રીના લેખમાં લખાણ હતું, "ક્ષમા કરશો, હવે આ પત્રવ્યવહાર બંધ થાય છે." તે સાંજે મારા મિત્રોએ મને ફોન કરીને કહ્યું, "અભિનંદન. તું છવાઈ ગયો!"
તમારી ચાળીસ વર્ષની કાર્ટુનીસ્ટ તરીકેની કારકિર્દીમાં તમે ઘણી વિભિન્ન ભૂમિકાઓ ભજવી છે અને વિવિધ પ્રકારના અસંખ્ય કાર્ટુનો દોર્યાં છે. આ બધું કેવી રીતે સ્ફૂર્યું?


View Sudhir Dar's Cartoon Slide Show
સુ.દ: એમ કહેવાય છે કે 'વિદૂષકનું પાત્ર ભજવનારને પણ હેમ્લેટનું પાત્ર ભજવવાની ખેવના હોય છે.' મારા સ્ટેટ્સમેન સાથેના વર્ષો દરમ્યાન, મને રાજકારણમાં ઝંપલાવવાની પ્રબળ ઈચ્છા હતી. એવું બન્યું કે તે વખતે હિન્દુસ્તાન ટાઈમ્સમાં શ્રી રાજેન્દ્ર પૂરી કામ કરતા હતા, તેમને કેટલીક સમસ્યાઓ હતી. હું કૂવામાંનો દેડકો થઈને રહેવા માંગતો ન હતો. મારે તો તળાવ અને બને તો દરિયામાં ફેલાવું હતું. એટલે અમે સ્થાન બદલ્યા. શ્રી રાજેન્દ્ર સ્ટેટ્સમેનમાં જોડાયા અને હું 'ધ હિન્દુસ્તાન ટાઈમ્સ'માં. ત્યારથી ૨૨ વર્ષ સુધી આ કામ ચાલ્યું. દર અઠવાડિયે હું સાત પોકેટ કાર્ટુન્સ અને ત્રણ રાજકીય કાર્ટુન દોરતો. આ એકજાતનું ગાંડપણ હતું. તદ્દન ગાંડપણ. આ ગતિ શ્રી આર. કે. લક્ષ્મણે પ્રસ્થાપિત કરી હતી. તેઓ સર્જનાત્મક કૌશલ્ય ધરાવતા હતા, અને એક જબરજસ્ત ચિત્રકાર હતા. તે વખત બહુ સુંદર હતો. હું તેમનો મોટામાં મોટો પ્રશંસક છું. હિન્દુસ્તાન ટાઈમ્સ છોડ્યા બાદ, થોડા ઘણાં વર્ષો મેં મુંબઈમાં 'ધ ઈન્ડીપેન્ડન્ટ' માટે કામ કર્યું. ત્યાર બાદ 'ધ પાયોનીયર'ના તંત્રી શ્રી વિનોદ મહેતા મને ફોસલાવીને દિલ્હી પાછા લઈ આવ્યા. મેં ૧૯૯૧ થી ૧૯૯૮ સુધી 'ધ પાયોનીયર' સાથે કામ કર્યું અને પછી વિનોદ અમને બધાંને સાથે લઈને ત્યાંથી છૂટા થયા. તે પછી દિલીપ પદગાંવકરની દરખાસ્તને માન આપી, હું દિલ્હી ટાઈમ્સમાં જોડાયો. પણ ત્યાં કામ કરવું મને ફાવ્યું નહીં. તેઓ યુવાન વર્ગને અનુલક્ષીને કામ કરતા હતા. તેથી, એક વર્ષ બાદ મેં ત્યાંથી કામ કરવાનું છોડી દીધું અને નિશ્ચય કર્યો કે ૪૦ વર્ષ પછી હું મારા કાર્યને તિલાંજલિ આપું!
કાર્ટુનીંગની દુનિયા સાથેના આટલાં બધાં વર્ષોના સંબંધ પછી શું તમે એમ માનો છો કે કળા, એ પ્રચાર માટેનું એક અસરકારક માધ્યમ છે?
સુ.દ: હાસ્તો. ખરેખર. ખરું પૂછો તો કાર્ટુનીંગમાં તમે જાણે ખૂન કરીને સહેલાઈથી બચી પણ શકો છો. એમાંય, ખાસ કરીને રાજકીય કાર્ટુનીંગમાં. તેમાં તમે સાચે જ ખૂન કરીને ચાલ્યા જઈ શકો છો. એક કાર્ટુનીસ્ટ તરીકે તમે તમારા કાર્ય દ્વારા કેટલીક અસરકારક રજૂઆતો કરી શકો છો. તે ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. પણ, તમને તે વાપરતાં આવડવું જોઈએ. તમારી રજૂઆત વેધક છતાં સીધી લક્ષ્ય પર હોવી જોઈએ. મુક્કો ભલે મારો પણ વિનોદવૃત્તિથી. ઘણાં કાર્ટુનીસ્ટો બીજાં કરતાં આ કાર્ય ઘણી સરળતાથી કરી શકે છે.
શું તમને લાગે છે કે કાર્ટુનીંગમાં કમ્પ્યુટરનો ફાળો અગત્યનો છે?
સુ.દ: સાચું કહું તો કમ્પ્યુટરની બાબતમાં હું એક શિખાઉ હતો. તેથી હું એમ નહોતો માનતો કે કમ્પ્યુટર અહીં મદદ કરી શકે. કાર્ટુનીંગ એ તો એક જાતની ભેટ છે -ભગવાને આપેલી ભેટ. એક કાર્ટુનીસ્ટ તરીકે, વ્યક્તિએ પોતાના હાથ અને મગજનો ઉપયોગ કરવો જોઈએ, પોતાનું કાર્ય કરવા માટે એક મશીનનો સહારો લેવાનો ન હોય. તેમ છતાં, આજની યુવાન પેઢીના ઘણાં બધાં કાર્ટુનીસ્ટો કમ્પ્યુટરની મદદથી અવનવું અને મનોરંજક કાર્ય કરી રહ્યા છે. પરંતુ, કાર્ટુન દોરવાની બાબતમાં હું થોડો રૂઢિચુસ્ત છું. હું એમ માનું છું કે તમારે તે પેનથી જ દોરવા જોઈએ. આ સંદર્ભમાં હું થોડો જૂનવાણી છું. પણ, મને તે ગમે છે. તેમાં ઘણું ઊંડાણ સમાયેલું છે. હું મારી કલમની ટાંક (પેન-નીબ) છેક જર્મનીથી મંગાવતો. તેની જાડાઈ મનુષ્યના વાળની જાડાઈથી માંડીને તેનાથી પાંચ-છ ગણી વધારે હોય છે. તમે તમારી કલમને કેવી રીતે વાપરો છો, તેના પર બધો આધાર હોય છે. તમારા હાથથી થોડું વજન આપીને તમે ચાહો તે વસ્તુની રચના કરી શકો છો. આ કળામાં કૌશલ્ય મેળવવામાં ઘણો સમય લાગે, પણ તે ખૂબ જ ચેતન રેડનારું કાર્ય છે.
વર્તમાન કાર્ટુનીંગ વિષે તમારો શું અભિપ્રાય છે?
સુ.દ: એ ખૂબ દુ:ખની વાત છે કે અત્યારે માપદંડ ખૂબ નીચા ઊતરી ગયા છે. ખરું પૂછો તો વર્તમાન કાર્ટુનીંગથી હું ખૂબ જ દુ:ખી છું. અમારો જમાનો ઘણો ભવ્ય હતો. લક્ષ્મણ, અબુ (અબ્રાહમ), વિજયન, હું, રાજેન્દ્ર પૂરી. તે એક ઉત્તમ સમય હતો. અમે ભારતની બીજી પેઢીના કાર્ટુનીસ્ટ કહેવાતા હતા. શંકર, ભાનુ, અહમદ અને શીશાંતી પહેલી પેઢીના ભારતીય કાર્ટુનીસ્ટ ગણાતા. અમે તેમને ખૂબ આદરથી જોતા. અમારામાં, લક્ષ્મણ સૌથી જૂના અને અમારી ટોળકીના સરદાર. અમે સારામાં સારા દિવસો જોયાં છે અને જીવનમાં તેના સારા ફળ પણ મેળવ્યા છે. ચાળીસ વર્ષ સુધી છાપાના પ્રથમ પાને રહેવું તે દાદ માંગી લે તેવી વાત છે. અને લક્ષ્મણની વાત કરીએ તો પચાસ વર્ષ સુધી.
શું કાર્ટુન દોરવાનો તમારો જુસ્સો ઓસરી ગયો છે? તે માટે તમને ખેદ છે?
સુ.દ: હવે હું એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું, જે મેં અત્યાર સુધી નહતી કરી. મને પુસ્તકો લખવાનો સમય ક્યારેય નહતો મળ્યો. અત્યારે ઘણાં બધાં પુસ્તકો થયાં છે, વર્લ્ડ બેન્કના 'પાણી અને સફાઈ'ના (વૉટર એન્ડ સેનીટેશન્સ) અભિયાન માટે મેં આ વર્ષનું કેલેન્ડર તૈયાર કર્યું છે. હું હમણાં વર્લ્ડ બેન્કના કેટલાંક લોકોને મળ્યો અને તેમણે કહ્યું, "તમે વર્લ્ડ બેન્કના એમ્બેસેડર છો. તમારું કેલેન્ડર વર્લ્ડ બેન્કના દરેક ઓરડામાં લટકતું જ હોય." આ સિવાય, મેં પ્રવાસન વિભાગ (ડીપાર્ટમેન્ટ ઑફ ટુરીઝમ) માટે એક ડાયરી તૈયાર કરી છે, જેનું નામ છે 'સુધીર દર સાથે ભારતની સફર'. મેં વિદેશ ખાતા માટે પણ એક ડાયરી કરી હતી. જીવન વિમા નિગમ માટે પણ એક વ્યવસ્થિત પ્રવૃત્તિ તૈયાર કરી આપી હતી. અને, ત્યાર બાદ આવ્યું, માઈક્રોસોફ્ટ.
માઈક્રોસોફ્ટ ભાષાઈન્ડીયા સાથે તમારી શરૂઆત કેવી રીતે થઈ?
સુ.દ: જ્યારે એક કાર્યક્રમ માટે માઈક્રોસોફ્ટ મારી પાસે આવ્યું, ત્યારે હું તેમના આ ભારતીય ભાષાના પ્રોગ્રામ વિષે કશું જ જાણતો નહતો. તેનાથી હું ખૂબ આશ્ચર્યચકિત થયો અને મને તેમાં રસ પડ્યો. હું તેની સંભવનીય શક્તિ, પહોંચ અને વર્ષો સુધી રહે તેવી તેની અસરને જોઈ શક્યો. જરા વિચાર કરો, જે લોકોને આવી તક ક્યારે ય ન મળી હોય, તેમને કેવી ઉત્તમ અને શક્તિશાળી તક મળી છે! હું એવું માનું છું કે હવે આપણે એ જોવું જોઈએ કે કમ્પ્યુટરો સસ્તા ભાવે મળતા થાય, કે જેથી લોકો પોતાના માટે તેમ જ પોતાના બાળકો માટે ખરીદી શકે. જો કમ્પ્યુટરો ખેડૂતો અને કારીગરોને મળતા થાય, તો વિચારો કે તેમને આંગળીના ટેરવે કેવી અદ્‌ભુત દુનિયા મળી શકશે!
તમારા વિચાર પ્રમાણે, ઈન્ડીક ભાષાના પ્રચાર માટે કલાક્ષેત્રનું યોગદાન શું હશે?
સુ.દ: એવી ઘણી વાતો છે જે તમે કળા દ્વારા વ્યક્ત કરી શકો છો. કળા એ અજાણ્યા લોકો સાથે સંપર્ક બાંધવાનું એક માધ્યમ છે. એવાં કેટલાંય છે, જેમણે ફ્ક્ત છાપાઓમાં અથવા ટી.વી. પર જ કમ્પ્યુટર જોયું છે. કળાનો ઉપયોગ આવા લોકો સુધી પહોંચવા માટે થઈ શકે. એ લોકોની ઈચ્છા, જરૂરિયાત, તકલીફો, અભિલાષા જાણી શકાય. ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે ક્યારનીય હરણફાળ ભરેલી છે. પ્રાદેશિક સોફ્ટવેર મળવાથી તો કંઈક અદ્‌ભુત, મગજ વિચારી ન શકે તેવું જ કંઈક થશે.
તમે હાલમાં જ આગ્રામાં યોજેલા પ્રદર્શન વિષે કંઈક કહો.
સુ.દ: જ્યારે માઈક્રોસોફ્ટે મને બોલાવ્યો અને તેના પ્રાદેશિક ભાષાના સોફ્ટવેરની હિન્દી ભાષા માટે કારોબારીના સભ્ય તરીકે મને આમંત્રણ મળ્યું, ત્યારે હું ખૂબ ખુશ થયો. અમારે ઘણી બધી વાર મંત્રણાઓ થઈ. અમે વિવિધ વિષયો અને વાર્તાલાપ વિષે ચર્ચા કરી. આ એક સારો અનુભવ હતો. હું મારી જાતને વધુ શક્તિશાળી અનુભવી શકતો હતો - જાણે કોઈ ક્રાંતિનું સર્જન થવાનું ન હોય! મને લાગ્યું કે હું પણ એ ક્રાંતિનો એક ભાગ છું. અમે ટેકનોલોજીને એક ઓજાર બનાવીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાના હતા, જેનાથી તે પોતાની ખુદની જિંદગી અને કારકિર્દીનું સર્જન કરી શકે.
તમારા મતે 'ઈન્ડીક ભાષા વિકાસ' માટે કઈ કઈ ભાષાઓને મહત્વ આપવું જોઈએ?
સુ.દ: મારા મત પ્રમાણે, આપણી વસ્તીનો મોટા ભાગનો વર્ગ હિન્દી ભાષા બોલે છે. તેથી પ્રથમ સન્માનનીય સ્થાન તો હિન્દી ભાષાને જ આપવું જોઈએ. આપણે ઉર્દૂ ભાષાને પણ ભૂલવી જોઈએ નહીં. બંગાળીને પણ યાદ રાખવી જોઈએ. તે એક શક્તિશાળી અને બહુ સુંદર ભાષા છે. હું માનું છું કે આ સોફ્ટવેર બધી જ મુખ્ય ભાષાઓ માટે આપવું જોઈએ, ખાસ કરીને દક્ષિણ ભારતની ભાષાઓ માટે. આ સાધન દક્ષિણી લોકોના હાથમાં આવશે, તો તેઓ શું નું શું ય ઉત્પન્ન કરી શકશે. આમ પણ, બુધ્ધિચાતુર્યમાં દક્ષિણ ભારત, ઉત્તર ભારત કરતાં ક્યાંય ચડિયાતું છે. અને આવા સાધન સાથે તો તેઓ કેટલા આગળ નીકળી જશે તેની તો હું કલ્પના જ કરી શકતો નથી. હું તો એમ કહીશ કે માઈક્રોસોફ્ટની સામે વાવણી વિનાના કેટલાંય ખેતરો પડેલા છે. બસ, તેમાં વાવણી કરીને સિંચાઈ કરવાની જ જરૂર છે.
ટૂંકમાં પૂછીએ, તો ઈન્ડીક ભાષા કમ્પ્યુટીંગનું ભવિષ્ય કેવું છે?
સુ.દ: તે કહેવા મારી પાસે યોગ્ય શબ્દો નથી. આ સાહસનું આગામી પાંચ અથવા તો કદાચ દસ વર્ષ પછીનું ભવિષ્ય જોઈએ, તો હું એક જ શબ્દમાં તેનું વર્ણન કરીશ, "અદ્‌ભુત !"

Partner Profile | Privacy Statement | Why Passport | Testimonials
This site uses Unicode for non-English characters and uses Open Type fonts.
©2003-2007 Microsoft Corporation. All rights reserved.